માંડલપુરા ગામમાં ચાલતો શિક્ષણનો સેવાયજ્ઞ એટલે કે ‘HELPS પાઠશાળા’ નિયમિત રીતે અહીંના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની પ્રવૃત્તિ કરી રહી છે, જેમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ, ડૉ. કાજલ પટેલ તથા મીના, અંજલી, કરીના અને હું (યાશ્રી) ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપીએ છીએ. એવું સાંભળ્યું છે કે શિક્ષણ એ લોકોના જીવનને ઉજળું બનાવતું તથા સમગ્ર વિશ્વને પહેલાં કરતાં વધુ ઉન્નત બનાવતું સાધન છે. આ જ વાક્યને અનુસરતા હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યની શરૂઆત થઈ છે.
અમારા સમયપત્રકને અનુસરતા અમે સવારે ૧૧ વાગ્યે અમારી નિયત જગ્યા પર હાજર થયા ત્યારે બાળકો અમારી રાહ જોઈ જ રહ્યા હતા. આજે દર વખત કરતા થોડા વધુ ઉત્સાહી જણાતા હતા જેનું કારણ આજની ચિત્ર સ્પર્ધા હતી. સૌપ્રથમ પ્રાર્થનાથી દિવસની શુભ શરૂઆત થઈ અને અમે સૌએ અલગ અલગ ધોરણની શિક્ષણ પ્રવૃત્તિ શરુ કરી. અંજલી ૧ થી ૩ ધોરણ , મીનાબેન ચોથું ધોરણ, કરીના ૫ અને ૬ ધોરણની શિક્ષણ પ્રવૃત્તિ શરુ કરી. આયોજન મુજબ મારે ધોરણ ૭ માં વિજ્ઞાન વિષય લેવાનો હતો જેથી મેં તેની શરૂઆત કરી. બાળકોની પરીક્ષા નજીક આવતી હોવાથી દરેક પાઠના વિકલ્પો, ખાલી જગ્યા અને જોડકાં જેવા નાના નાના પ્રશ્નો પહેલા તૈયાર કરાવવાનાં વિચારથી શિક્ષણકાર્ય શરુ થયું. તેઓને આ પ્રશ્નોમાં જે બાબતો ન સમજાઈ તે સમજાવી.
અગાઉથી બાળકોને જણાવ્યું હતું એ મુજબ આજે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેનો વિષય ‘વિશ્વ જળ દિવસ’ સંદર્ભે નક્કી કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનો હેતુ બાળકોની આ શૈક્ષણિક પ્રવૃત્તિ વધુ રસપ્રદ બનાવવા તથા તેમનામાં જાગૃતિ વધારવાનો હતો. એક જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી અગત્યના અને ગંભીર પ્રશ્નો પ્રત્યે સમાજનું ધ્યાન દોરવાની છે, જેમાં સૌથી અસરકારક માધ્યમ બાળકો છે – આપણું આવનારી કાલનું ભવિષ્ય જો જાગૃત અને જવાબદાર હશે તો તેઓ એક સફળ સમાજની આગેવાની કરી શકશે. ચિત્ર સ્પર્ધા માટે સૌ માટે રંગો અને ચિત્ર માટેના કાગળની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેઓએ રસપૂર્વક આ સ્પર્ધામા ભાગ લીધો અને વિષય અનુરુપ ચિત્રો દોર્યા અને તેમાં રંગ ભર્યા. દિવસને અંતે બાળકોને ચવાણાનો નાસ્તો કરાવવામાં આવ્યો ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને અમે સૌ છુટ્ટા પડ્યા. આજનો આ દિવસ બાળકો તથા અમારા માટે ખૂબ યાદગાર રહ્યો અને તેઓ એક શીખ લઈને પોતપોતાના ઘરે ગયા.
-યાશ્રી
No comments:
Post a Comment