વિદ્યાદાન - શ્રેષ્ઠદાનની ભાવનાથી ચાલતો હેલ્પ્સ ફાઉન્ડેશનનો કાર્યક્રમ - 'HELPS પાઠશાળા' માંડલપુરા ગામના બાળકોને ગુણાત્મક શિક્ષણ આપવાની દિશામાં કાર્ય કરી રહ્યું છે. આ પ્રેજેક્ટમાં હેલ્પ્સ ફાઉન્ડેશનની ટિમ - ડૉ. ધીરેન્દ્ર પટેલ , ડૉ. કાજલ પટેલ , મીના, કરીના , અંજલી અને હું(યાશ્રી) પોતાનું યોગદાન આપી રહ્યા છે. ૩ મહિનાથી ચાલતી આ પાઠશાળામાં ૧ થી ૮ ધોરણના કુલ ૪૫ જેટલા બાળકો શિક્ષણ પ્રવૃત્તિમાં જોડાય છે.
નક્કી કરેલા સમયે અમે સૌ માંડલપુરા પહોંચ્યા ત્યારે બાળકો ત્યાં જ હજાર હતા. અમે ધોરણ મુજબ બાળકોને બેસાડ્યા અને આયોજન મુજબ પ્રાર્થના શરૂ કરી. આજે હું ૭ માં ધોરણના વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી વિષય સંબંધિત પ્રશ્નો પૂછવાની હતી. પરીક્ષા નજીક આવતી હોવાથી પાઠ અને કાવ્યના પ્રશ્ન- જવાબ તથા વ્યાકરણના મુદ્દાઓ સમજાવ્યા અને લખાવ્યા. લગભગ બધા જ બાળકોને પ્રશ્ન- જવાબમાં કોઈ તકલીફ નહોતી પરંતુ વ્યાકરણ વિભાગમાં અમુક પ્રશ્નો હતા , તે સમજાવ્યા. અંતમાં રાષ્ટ્ગાન માટે સૌને તૈયાર કર્યા અને ૭ અને ૮ ધોરણના બાળકોને એ જવાબદારી સોંપવામાં આવી કે જેમાં તેઓ સૌને રાષ્ટ્રગાન માટે આદેશ આપે. આ પાઠશાળાનો હેતુ તેમને ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે તેઓના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો પણ છે, અને કોઈ પણ બાબતની જવાબદારી તેમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ ગામના બાળકોને આગળ ભણવાની પ્રેરણા મળે , તેઓનો પાયો મજબૂત બને અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એ હેલ્પ્સ ફાઉન્ડેશનનો ધ્યેય છે જેને પૂર્ણ કરવા માટે તે સતત કાર્યશીલ છે.